11/2/09

ગઝલના ગગનમાં






લાશ મારી પરંતુ તરાવી દીધી


થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.

- બેફામ
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

- બેફામ
ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી


ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;કરું શું?
મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– બરકત વીરાણી ‘બેફામ’









મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથીમને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાયએવું અષાઢી દિવસોમાં લાગે,

આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉંપણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથીમને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાયકોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાયપડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથીમને સૂરજની બીક ના બતાવો !

- અનિલ જોશી











તાજમહાલ - શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

- શેખાદમ આબુવાલા










હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

- અમૃત ‘ઘાયલ’










આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

- મનોજ ખંડેરિયા



મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)







દિવસો જુદાઈના જાય છે



દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી

ન ધરા સુધી ન ગગન સુધી
નહિ ઉન્નતિ ન પતન સુધી
ફકત આપણે તો જવું હતું
હર એક મેકના મન સુધી

તમે રાંકના છો રતન સમા
ન મળો હે આંસુઓ ધૂળમાં
જો અરજ કબૂલ હો આટલી
તો હ્રદયથી જાઓ નયન સુધી

તમે રાજરાણીના ચીર સમ
અમે રંક નારની ચુંદડી
તમે તન ઉપર રહો બેઘડી
અમે સાથ દઈએ કફન સુધી

જો હ્રદયની આગ વધી ‘ગની’
તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી


          - ‘ગની’ દહીંવાલા

No comments: